Tuesday, 29 March 2022

JAL SE KAL, DIVYABHASKAR, KALASH – WEEKLY ARTICLE SERIES BY Dr.Yogesh Jadeja

 

Secure Groundwater Secure Life – Part I

JAL SE KAL, DIVYABHASKAR, KALASH – WEEKLY ARTICLE SERIES BY Dr.Yogesh Jadeja

કૉલમ: જલ સે કલ, યોગેશ જાડેજા, ACT સંસ્થા, ભુજ

“કુદરતે કચ્છને ઘણીવાર ‘બારે મેઘ વરસાવતા નહીં, બારે માહ તરસાવતા રાખ્યાં છે.”

 વર્તમાનપત્રો કચ્છના સારા વરસાદના સમાચારોથી ભરચક હોય. સુકાઈ ગયેલી નદીઓમાં બે કાંઠે પાણી વહેવા લાગે. તળાવ-તળાવડીઓ છલકી જાય. સિંચાઈના ડેમો ઓવરફ્લો થયાના સમાચારથી વહીવટી તંત્ર પણ રાજી થઈ જાય. માલધારી, ખેડૂતો, વેપારીઓના ચહેરા ઉપર રોનક આવી જાય. પરીની વાર્તા જેવું સમજવા કરતાં આ બધું આપણે શક્ય બનાવી શકીએ છીએ. છેલ્લા બે વર્ષની કોરોના મહામારીએ સમસ્યામાંથી ઉપાયો શોધતાં શીખવ્યું છે તેવી જ રીતે સ્થાનિક સ્ત્રોતોની જાળવણી અને તેના માટે વૈજ્ઞાનિક તેમજ સહભાગીદારીવાળો અભિગમ થકી પાણીની સમસ્યા પર ધાડ મારી શકાય.

 કચ્છમાં વરસાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોના વરસાદ પછી આવતો. સામે અધકચરા ચોમાસાં અને ભયંકર દુષ્કાળ પણ નોંધાયેલા છે. એકસામટા ત્રણ કે ચાર ચોમાસાં સાવ કોરાં ગયાં હોય એવા બનાવો આ પ્રદેશે નિભવ્યા છે. પરંતુ આ સૃષ્ટિમાં કોઈ પણ વસ્તુ હમેંશ માટે નથી. બધેબધું અનિશ્ચિતતાથી ઉથલ્યા કરે છે. જે ક્ષણે જીવનો જન્મ થાય છે એ ક્ષણથી જ એનું મૃત્યુ નિશ્ચિત થઇ જાય છે. આ જીવન અને મૃત્યુ વચ્ચેના ગાળામાં ટકી રહેવા જરૂરી એવા પાણી વગર કલ્પના શક્ય જ નથી.

 માનવીય અભિગમની તરેહને ધ્યાને લીધા વિના સાવ સરળ રીતે કોઈને પણ સમજમાં આવે કે કુદરતે કચ્છ માટે ઘણીવાર ‘બારે મેઘ વરસાવતા નહીં પણ બારે માહ તરસાવતા રાખ્યાં છે.’ પાણીની સમસ્યાની ‘એક્સપાયરી ડેટ’ નક્કી કરવી જરૂરી છે. આમ, પાણીના બજેટ – વોટર બેલેન્સ જેવી પ્રક્રિયા દ્વારા કે તેના વપરાશને ડાહપણ ભરી રીતે ઉપયોગ પરીણામો મેળવવા એરિડ કોમ્યુનિટીસ એન્ડ ટેકનોલોજીસ સંસ્થાના વિવિધ મોડેલો અને સક્સેસ કેસ સ્ટડી સાથે લેખો પ્રસિદ્ધ કરવામાં આવશે. 

કચ્છના ભૂર્ગભજળને લોકભાગીદારીથી સાચવવા એજ પરમોધર્મ

કચ્છ હંમેશથી પાણી મુદ્દે કણસતો રહ્યો છે. આ માટે જમીનના તળમાંથી પાણી ઉલેચવાને બદલે જમીન પર પડતાં પાણીનું સંગ્રહ પાણીની સમસ્યા દૂર કરવાનો કચ્છ માટે શ્રેષ્ઠ ઉપાય છે. દુષ્કાળ અને ઓછા તેમજ અનિયમિત વરસાદ ધરાવતા કચ્છ જિલ્લા માટે ભૂગર્ભજળએ આજની તારીખે પણ પીવાના પાણી માટે, સ્થાનિક પરંપરાગત આજિવિકાઓ માટે કે પછી ઔધોગિક વિકાસની પ્રક્રિયાઓમાં કરોડરજજુ સમાન સ્ત્રોત રહ્યો છે. એ વાત અલગ છે કે આ સ્ત્રોતના બેફામ શોષણને કારણે તેના જથ્થા અને ગુણવતામાં ફેરફાર થયો છે.

સંસ્થા દ્વારા સહભાગી ભૂગર્ભજળ વ્યવસ્થાપન પ્રકલ્પો થકી કચ્છના ગ્રામીણ અને  શહેરી બન્ને વિસ્તારમાં સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવ્યા છે. માંડવી તાલુકાના ૧૯ ગામો કે જ્યાં પાણીની જરૂરીયાતમાં ૩૨૦ લાખ ઘનમીટરની ખોટ હતી અને અમુક ગામોમાં ભૂગર્ભજળની ખારાશનું પ્રમાણ 3500 થી ૬૨00 ટી.ડી.એસ. જેટલું હતું. પરંતુ પાછળથી ભૂગર્ભજળમાં ૭૮ લાખ ઘનમીર જેટલો જથ્થો વધ્યો અને અતિખારાશવાળા વિસ્તારમાં ટી.ડી.એસ.નું પ્રમાણ ૩000 થી 4000 પી.પી.એમ. જેટલું ઘટયુ.

ટાટા સીજીપીએલ, સંસ્થા તથા લોકભાગીદારીથી કલસ્ટર એપ્રોચ અપનાવ્યું અને તમામ ગામોનું વિકેન્દ્રીત જળ સુરક્ષા આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં ઉંડા થઇ ગયેલા ભૂતળને ફરી ઉપર લાવવા રીચાર્જ બોરવેલ, બંધ પડી ગયેલ કુવા- બોરને રીચાર્જ સ્ટ્રક્ટરમાં તબદીલ કરવું, પરંપરાગત સપાટીય સ્ત્રોતને આવ સુધારણા અને જળ ચક્રના સંતુલનમાં પાણી મળી રહે તેવી રીતે ખાણેત્રા વગેરે જેવા પુરવઠો વધારવાના કાર્યનું અમલીકરણ કરવામાં આવ્યું. આ કાર્યોને લોકો જવાબદારીપૂર્વક સમજે, સાચવે અને નિભાવે તે માટે તેઓનું ક્ષમતાવર્ધન અને કરવામાં આવ્યું. જેથી આવનારા સમયમાં પીવાના પાણી બાબતે સંપુર્ણ સ્વાયત બની જશે.

કચ્છની ભૂસ્તરીય લાક્ષણિકતાને સમજવી જરૂરી

આપણે માંડવી તાલુકાના ૧૯ ગામો કે જ્યાં પાણીની જરૂરીયાતમાં ૩૨૦ લાખ ઘનમીટરની ખોટ સામે ભૂગર્ભજળમાં વધારો અને અતિખારાશવાળા ગામોમાં ટી.ડી.એસ.નું પ્રમાણ ઘટાડી શક્યા તે ગામોમાં તો ઘટાડી શક્યાની વાત છેલ્લાં અંકમાં કરી હતી પરંતુ આવનારા સમયમાં પીવાના પાણી બાબતે સંપુર્ણ સ્વાયતતા મેળવવા માટેના વિધિગત તબક્કા શું છે એ સમજવું જરૂરી છે. જેનો પ્રાથમિક તબક્કો છે, કચ્છની ભૂસ્તરીય લાક્ષણિકતાને સમજવું.

કચ્છની ભુસ્તર બનવાની શરૂઆત આશરે ૧૮ કરોડ વર્ષ પહેલા થઈ હતી જે સમયે ઉપરની તરફ દરિયો અને તેની નીચે જમીન જેવી પરિસ્થિતિ હતી. કાળક્રમે જમીનની અંદર ભૌગોલીક ફેરફાર જેવા કે, જવાળામુખીની હલચલ, પૃથ્વીના જમીન ભાગોની પ્લેટોનું એકબીજા તરફ સરકવું વગેરે જેવા કારોણોને લીધે ધીરેધીરે જમીનનો ભાગ ઉપર આવવા લાગ્યો અને દરિયો જમીન પરથી સરકવા લાગ્યો.

૬.૫ કરોડ વર્ષ પહેલા કચ્છની જમીન પણ દરિયાની બહાર ઉપસી આવવાની શરૂઆત થઈ હતી. જે સમયને પૃથ્વીના ઉત્પતિ કાળનાં મેસોઝોઇક યુગ તરીકે ઓળખાવવામાં આવે છે. અને કચ્છમાં મળી આવતા અગત્યનાં દરિયાઈ જીવાવશેષો જેવા કે, એમોનોઈડ વગેરે તે બાબતની પુર્તતા કરે છે. કચ્છમાં મળી આવતા શેલ (મુલઈ), ઝીણાદાણાવાળો સાગ (ફાઈન ગ્રેઈન સેન્ડ સ્ટોન)ના એકાંતરીકરણ (ઈન્ટરકેલેશન) તથા ચિકણી માટીના ખડકો, ચુનાના પથ્થરનાં ખડકોના એકાંતરીકરણ એ દરિયાઈ બનાવટનાં ખડકો હોવા છતાં પણ કરછનાં મોટો ભાગનાં ડુંગરો પર મળી આવે છે જે સૂચવે છે કે કચ્છની ધરતીની ઉત્પતિ દરિયામાંથી થઈ છે. જેથી આજે પણ આ ખડકોમાં આવતું પાણી ઘણી જ વધારે માત્રામાં ખારાશ ધરાવે છે. આવી ખારાંશને Inherent Salinity કહેવાય છે.

આશરે ૧૦ કરોડ વર્ષથી કચ્છના સાગ પથ્થરમાં સંગ્રહિત છે પાલર પાણી

આ સમય બાદ જમીનનાં પેટાળમાં રહેલો લાવારસ, પ્લેટો સરકવાનાં કારણે ઉભા થયેલ તણાવ તથા દબાણ તેમજ વજનની અસમતુલાને પૃથ્વીના પોપડા પર નીચેથી દબાણ કરવા લાગ્યો જેને લીધે જમીનનો ભાગ દરિયાથી ઉપર આવવા લાગ્યો જેમ જેમ જમીન ઉપર આવવા લાગી તેમ તેમ તેના પર પર્યાવરણીય પરિબળોની અસરોને લીધે તથા વરસાદની અસરને લીધે નદીનાળાઓ વહેવા શરૂ થયા જે જુના ડુંગરોનું ધોવાણ થતાં અને જમીન પર પથરાતાં તે જુરાસિક કાળ બાદના ક્રિટેસીયા કાળનાં સાગ પથ્થર (સેન્ડસ્ટોન) રૂપે જમીન પર પથરાયો અને આ પ્રક્રિયા પુરી થાય તે પહેલા જમીન નીચેના જવાળામુખીનું દબાણ સહન ન થતાં મોટો પાયે જવાળામુખીની પ્રક્રિયા સમગ્ર પૃથ્વી પર થઈ જેથી જમીન પર કાળમીંઢ જેવા પથ્થરો બન્યા. આ પ્રક્રિયા લગભગ ૬.૫ થી ૮ કરોડ વર્ષ વચ્ચેની છે. કચ્છમાં મળી આવતાં ઘીણોધર, કાળો ડુંગર વગેરે આ પ્રકારની જવાળામુખીની પ્રક્રિયાના દૃષ્ટાંત છે. આ સમયકાળને પૃથ્વીની ઉત્પતિની ઈતિહાસના ડેક્કનટ્રેપ (કાળમીંઢ/બેસાલ્ટ) તરીકે ઓળખાય છે. આમ જુરાસીક કાળ પછીના ક્રિટેસીયસ તથા ડેકકનટ્રેપ સમયનાં ખડકો અનુક્રમે નદીના વહેતા પાણીથી તથા જવાળામુખીથી બન્યા હોઈ તેમાં ખારાશનું પ્રમાણ નહિવત્ત છે. આજે કચ્છમાં જે સાગ પથ્થર તરીકે ઓળખાય છે, તેમાં મળી આવતું ભુગર્ભજળ આશરે ૧૦ કરોડ વર્ષથી સંગ્રહિત વરસાદનું મીઠું પાણી છે.

જવાળામુખીથી બનેલ કાળમીંઢ પથ્થર જમીનથી બહાર આવ્યા બાદ પૃથ્વીનાં વાતાવરણની અસરમાં આવતા તેમાં રાસાયણીક ખવાણ થવાને લીધે લેટેરાઈટમાં પરિવર્તન થવાનું શરૂ થયું જે સમયને કચ્છમાં ટર્સરી યુગની શરૂઆત ગણવામાં આવે છે. અને આ યુગમાં કચ્છની જમીનનો પશ્ચિમ ભાગ હજી પણ દરિયામાં હતો જયાંથી કાળક્રમે દરિયો બહાર નિકળી જતાં પશ્ચિમ ભાગમાં ચુનાનાં પથ્થર, ચીકણી માટીનાં ખડકો વિપુલ પ્રમાણમાં મળી આવે છે.

ધરતીકંપને લીધે સિંધુ નદીના વહેણ કચ્છનાં રણમાંથી ફંટાઈ ગયાં.

ગત સપ્તાહે આપણે જે ટર્સરી યુગની શરૂઆતની વાત કરી તે જમીની ઊથલપાથલની પ્રક્રિયા આશરે એક લાખ વર્ષ પહેલા ચાલુ હતી એવું કહેવાયું છે.

૧૮ કરોડ વર્ષ પહેલા ગુજરાતની ઉત્તર-પુર્વનો થોડો ભાગ જ જમીન સ્વરૂપે હતો તેમાંથી ૨૦ લાખ વર્ષની આસપાસ સૌરાષ્ટ્ર તથા કચ્છનો મેઈનલેન્ડ પ્રદેશ દરિયાથી બહાર ઉપસી આવ્યો હતો ત્યાર બાદ છેલ્લા ૨૦૦૦૦ થી ૫૦૦૦ વર્ષ દર્મિયાન સમગ્ર ગુજરાત તથા સૌરાષ્ટ્રનો તમામ ભાગ મોટા ભાગનો કચ્છ મેઈનલેન્ડ તથા કેટલાક ટાપુઓ બહાર આવ્યા અને અંતે ૫૦૦૦ વર્ષ પહેલા લગભગ હાલમાં છે તે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છનું સ્વરૂપ અસ્તિત્ત્વમાં આવ્યું. દરિયાની આવનજાવન સાથે તથા જવાળામુખીની પ્રક્રિયા સાથે કચ્છની ધરતી પર ધરતીકંપ જેવી ટેકટોનિક પ્રક્રિયાનાં પણ ઉદારણ જોવા મળે છે જે બધી પ્રકિયાનાં ફળ સ્વરૂપે કચ્છની આજની જમીનનું સ્વરૂપ જોવા મળે છે. છેલ્લે ૧૮૧૯ માં થયેલ ધરતીકંપને લીધે કચ્છનાં રણમાં અલ્લાહબંધ બન્યો હતો જેને લીધે સિંધુ નદીના વહેણ જે પહેલા કચ્છનાં રણમાંથી વહેતાં હતાં ફંટાઈ ગયેલ.

પૃથ્વી પર જીવસૃષ્ટીની શરૂઆત આમ તો લગભગ ૩૫૦ કરોડ વર્ષ પહેલા થઈ હતી. સૌથી પહેલો દરિયાઈ જીવ અમીબા (એકકોષી) હતો ત્યાર બાદ તેમાંથી ધીરેધીરે બીજા સજીવો બનવાની શરૂઆત થઈ જેમાં અમીબા પછી માછલીઓ અસ્તિત્ત્વમાં આવી ત્યાર બાદ નાના જીવાણું અસ્તિત્ત્વમાં આવ્યા ત્યાર બાદ પ્રાણીઓ અસ્તિત્ત્વમાં આવ્યા અને પછી ડાયનોસોર અને સસ્તન પ્રણીઓ ઉત્પન થયા અને ત્યાર પછી પક્ષીઓ અસ્તિત્વમાં આવ્યા. આમ, ધીરેધીરે પૃથ્વી પર જીવ સૃષ્ટિની રચના થઈ હતી. કચ્છમાં વનસ્પતી ઉગવાની પ્રક્રિયા આશરે ૭ થી ૮ કરોડો વર્ષ પહેલા થઈ હતી. જેની નોંધ અને પુરાવા આજના સંશોધનમાં શક્ય બન્યા છે.

દરિયાઈ ગમન – આગમનના લીધે કચ્છનાં ભુસ્તરની રચના

કચ્છનાં ભુસ્તરની રચના મુખ્યત્વે દરિયાઈ ગમન – આગમન અને ટેકટોનિક પ્રક્રિયા જવાબદાર છે. આવી પ્રક્રિયાઓ જેવી કે, જવાળામુખી ફાટવાની લીધે કે ધરતીકંપ થવાની લીધે થઈ છે જેના લીધે જુદા જુદા ખડકો બન્યા છે. આ ખડકો પાણી સંગ્રહના સ્ત્રોત પણ છે. ક્યાંક જવાળામુખીનાં કારણે અગ્નિકૃત ખડકો બન્યા તો ક્યાંક દરિયાઈ અને વહેતા પાણી તેમજ હવાનાં લીધે જળકૃત ખડકો બન્યા છે અને ટેકટોનિક પ્રક્રિયાને કારણે કેટલાક વિકૃત ખડકો પણ બન્યા છે.

જેમાંથી કચ્છમાં નીચે પ્રમાણેના મુખ્ય જળકૃત અને અગ્નિકૃત ખડકો જોવા મળે છે.

પ્રકારનામબનવા માટે જવાબદાર પરિબળ
જળકૃતસેન્ડસ્ટોનદરિયાઇ પાણી, નદીના વહેતા પાણી, હવાથી ઉડીને આવેલ રેતી
શેલદરિયાઇ પાણી, નદીના વહેતા પાણી
ચીકણી માટીદરિયાઇ પાણી તથા નદીના પાણીનાં સમાગમના સ્થાને બન્નેની
ચુનાનો પત્થરદરિયાઇ પાણીમાં ચુનાનો નિતાર
અશ્મિયુક્ત ચુનાનો ખડકદરિયાઈ પાણી
માર્લદરિયાઇ પાણીમાં અતિ સુક્ષ્મ ચુનાનો પાવડરનો નિતાર
અગ્નિકૃતકાળમીંઢજવાળામુખી ફાટવાથી લાવારસનું જમીન પર આવીને તરતજ ઠંડા પડવું
વિકૃતક્રીસ્ટલાઇન લાઇમસ્ટોનજવાળામુખી જેવી પક્રિયાના કારણે ચુનાના પત્થરમાં ઘુસી ગયેલ લાવારસના કારણે પેદા થયેલ ગરમી તથા દબાણને કારણે આવેલ બદલાવ
ફોલ્ટ બ્રેસીયાસ્તરભંગના કારણે બનેલ ખડકોના ટુકડાઓનું પાછા નવા પ્રકારના ખડકમાં રૂપાંતરણ

 

જળસંગ્રહની વર્તણૂકના આધારે અલગ અલગ પ્રકારના ખડકોની ઓળખ

જમીનની સપાટીથી નીચે મળી આવતા પાણીને આપણે ભુગર્ભ જળ તરીકે ઓળખીએ છીએ. આવું પાણી કેટલી ઊંડાઇએ મળી આવે છે તથા તેનું ત્યાં મળી આવવા માટે કયા પરિબળો જવાબદાર છે તેના આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે. ખડકોની પાણી સાથે અલગ અલગ પ્રકારની વર્તણુંકના આધારે એકવીફર, એકવીલુડ, એકવીફયુઝ અને એકવિતાર્ડ એમ ચાર પ્રકારે ઓળખ અપાઈ છે.

સેન્ડસ્ટોન, વેધર્ડ બેસાલ્ટ, કાંપ, રેતી વગેરે જેવા ખડકો કે જે પાણીનો સંગ્રહ કરે તથા મુકત પણ કરે છે તે કચ્છમાં મળી આવતા એકવીફરનાં ઉદાહરણ છે. કલે/ચીકણી માટી, લાઈમસ્ટોન જેવા મુખ્ય સ્ત્રોતો પાણી સંગ્રહ કરે પણ મુકત નથી કરતાં તેને એકવીલુડ કહે છે. એવા ખડકો કે જે પાણી સંગ્રહ પણ ના કરે અને મુકત પણ ના કરે તેને એકવીફયુઝ કહેવામા આવ્યા છે. જેના ઉદાહરણમાં આપણે કોમ્પેકટ બેસાલ્ટ (કઠણ કાળમીંઢ) કહી શકીએ. કાંકરા, રેતી, ચીકણી માટીના લૂસ પ્રકારના ખડકો એ ચોથા પ્રકાર એકવિતાર્ડમાં ગણાય છે.

કોઈ પણ ખડકની એકવીફર હોવા માટેની અગત્યની લાક્ષણિકતાઓ એ તેની છિદ્રતા તથા તેની પાણી વહન કરવાની ક્ષમતા પર આધાર રાખે છે. છિદ્રતા (પોરોસીટી) એ સંગ્રહ ક્ષમતા નકકી કરતું પરિબળ છે જેનો મુખ્ય આધાર તેમાં રહેલા કણોની (ગ્રેઈન) સાઇઝ, તેમની વચ્ચેની જગ્યા તથા કણોના આકાર પર રહેલો છે. બીજો આધાર વહનતા છે જેને આપણે પરમીયાબીલીટી પણ કહીએ છીએ, એ પાણી મુકત્ત કરવાની ક્ષમતા નકકી કરતું પરિબળ છે જે ખાસ કરીને એકવીફર ખડકનું નમન, રીચાર્જની દિશા, આસપાસની ટેકટોનિક વ્યવસ્થા તથા ભૌગોલીક વ્યવસ્થા પર આધારિત છે.

કચ્છનાં ભુગર્ભજળમાં ખારાશનાં મુખ્યત્વે ત્રણ સ્ત્રોતો છે.

જે એકવીફરની આપણે અગાઉ વાત કરી તેમાં ખારાશ એ મુખ્ય મુઝવતો પ્રશ્ન છે. તેથી ખારાશની પ્રક્રિયા સમજવી જરૂરી છે. તે માટે કચ્છની ભુસ્તરીય રચના તથા આબોહવાકીય પરીબળો જવાબદાર છે.

કચ્છનાં ભુગર્ભજળમાં ખારાશનાં મુખ્યત્વે ત્રણ સ્ત્રોતો છે. ડુંગરાળ વિસ્તારનાં ખડકોની ખારાશ કે જે મુખ્યત્વે દરિયાઈ પાણીની પ્રક્રિયાથી બનેલા હોવાનાં લીધે જન્મજાત સચવાયલી ખારાશ છે. જ્યારે રણ તથા બન્ની પ્રદેશમાં ઉચા બાષ્પીભવનાંકને લીધે દીન પ્રતિદીન વધતી જતી ખારાશ છે. જ્યારે ત્રીજું ખુબ જ અગત્યનું પરિબળ છે જે માનવીય વૃત્તિને લઇને છે જેમાં ભુગર્ભજળનું શોષણ મુખ્ય છે, જેનાં લીધે દરિયાઈ પાણી એ ભુગર્ભજળમાં ધસી આવીને તેને ખારું બનાવે છે.

  •     કચ્છમાં ખારાશ વાળા વિસ્તારો

ખારાશની વાત વખતે બન્નીના ઘાસિયા મેદાનની વાત છે જરૂરી

બન્નીના ઘાસિયા મેદાનો સંપૂર્ણપણે દરિયાની ખારાશવાળા છે જે દક્ષિણમાં મેઇન લેંડ, લિનિયર ટ્રેન્ડસ અને ઉત્તરના ટાપુઓને આવરી લે છે. બન્નીનાં ઘાસિયાં મેદાનો એકદમ સપાટ કહી શકાય કે જે દરિયાની સપાટીએથી ૩ થી ૧૦ મીટરની ઊંચાઇએ આવેલાં છે (રોય, 1973૩). આ વિસ્તારની જમીન રેતાળથી ચીકણી માટીની બનેલી છે. જેથી તેની નિતારશકિત ઓછી હોવાથી વરસાદી પાણી આ સંપૂર્ણ વિસ્તારમાં ફરી વળે છે (જીઇસી ૧૯૯૫). દક્ષિણના મેઇન લેંડ અને ઉત્તરના ટાપુઓ આ વિસ્તારના આવક્ષેત્ર છે. સારો વરસાદ પડે ત્યારે અહીં ઘાસ અને ઓછી ઊંચાઇનાં વૃક્ષો ઊગી નીકળે છે. ફોટો દ્વારા વધુ સ્પષ્ટતા મળશે.

ઘાસિયાં મેદાનો વચ્ચે કુદરતી ખાડાવાળા વિસ્તારો પણ આવેલા છે.

બન્નીનાં ઘાસિયાં મેદાનો વચ્ચે કેટલાક કુદરતી ખાડાઓવાળા વિસ્તારો પણ આવેલા છે જેને સ્થાનિક ભાષામાં તેના ક્ષેત્રફળ આધારે ‘ઢંઢ’ અથવા ‘ઠઠ’ ના નામથી ઓળખવામાં આવે છે જે ભૂગર્ભના ભંગાણની પક્રિયાનો અણસાર આપતાં જમીનનાં સ્વરૂપો અને દરિયો બહાર નીકળી ગયા બાદ રહી ગયેલા ભૂમિ સ્વરૂપો છે. અહીં ચોમાસા બાદ પાણીથી ભરાઇ જતા હોય છે અને બારેમાસ પાણી ભરાઇ રહેતાં યાયાવર પક્ષીઓને આશ્રયસ્થાન પૂરું પાડે છે તેથી તે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. છારીઢંઢ એ અહીંનું ખૂબ જાણીતું ભૂમિ સ્વરૂપ છે. ઠઠ એ પ્રમાણમાં છીછરા ખાડાઓ છે, જેમાં ઉનાળે પાણી સુકાઇ જાય છે, જે આ વિસ્તારમાં પીવાના પાણી માટે સ્ત્રોત તરીકેની સવલત પૂરી પાડે છે.

Case Study – Nutri Kitchen Garden in the dry arid zone of Rapar

  Team WinFoundation   Oct 15, 2023    0 Comment     Water Conservation Author – Ms. Rajul Bharti,CEO ,  Samerth Charitable Trust   Kutch is...